વર્ષનો વારસો
વર્ષ જૂનો ઈતિહાસ
ગ્રામજનો
ગૌરવવંતા એવોર્ડ
આશરે ૭૦૦-૮૦૦ વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતો 'લોકી' વિસ્તાર આપણી ધરોહર છે. ભૂતકાળમાં અહીં ખોદકામ કરતા મકાનના જૂના ભીંતડા, માટીના વાસણો અને જમીનમાં દટાયેલી વિશાળ કોઠીઓ મળી આવી હતી. નવાઈની વાત એ હતી કે એ કોઠીઓમાં ભરેલી જાર (અનાજ) સદીઓ પછી પણ અકબંધ હતી, પરંતુ હાથમાં લેતા જ તે રાખ થઈ જતી. આ રાખ એ વાતની સાક્ષી પૂરે છે કે અહીં સદીઓ પહેલા એક ધબકતું જીવન હતું. લોકીમાં આવેલી વાવ પણ તે સમયની જળવ્યવસ્થાની સાક્ષી છે.
આજથી આશરે ૨૦૦ થી ૨૨૫ વર્ષ પહેલાં, જ્યારે આ વિસ્તારમાં વસવાટની શરૂઆત થઈ, ત્યારે રામાણી પરિવાર દ્વારા ગામનું તોરણ બાંધવામાં આવ્યું હતું. તે સમયે ગામની વસ્તી માંડ ૧૦૦ - ૧૫૦ લોકોની હતી, પણ લોકોમાં સંપ અને સાહસ અપાર હતા. કહેવાય છે કે આ ગામની માટીમાં એક અનોખી તાસીર હતી. અહીંની જમીન એવી મજબૂત હતી કે તે સહેલાઈથી ધોવાતી નહોતી. આજ અડીખમ માટી જેવા અડીખમ મનોબળ સાથે આપણા વડીલોએ અહીં વસવાટ કર્યો અને ગામને સમૃદ્ધ બનાવ્યુ.
મોટા ઉજળાની ભૌગોલિક રચના અદ્ભુત છે. ગામની આસપાસ કુલ ૭ ઢોરા (ટીંબા) આવેલા હતા, જ્યાં પ્રાચીન સમયમાં નેસડાઓ હોવાની લોકવાયકા છે.
સગઈડી ઢોરો, મોતીરામ ઢોરો, વીડી પાસેનો ઢોરો, લોકી ઢોરો, હરિજન વાસનો ઢોરો અને તાલાળી બાજુના ૨ ઢોરા આજે પણ ઈતિહાસ સાચવીને બેઠા છે.
આ ઢોરાઓમાંથી ઠીકરા અને ધોળી ધૂળ નીકળતી, જે ભૂતકાળની વસાહતો સૂચવે છે.
ગામની ફરતે બેલાના મજબૂત ખાંભા હતા. સામાજિક વ્યવસ્થા મુજબ ગામ બે ભાગમાં વહેંચાયેલું હતું: ઉગમણી પાટી અને આથમણી પાટી.
ગામમાં પ્રવેશવા માટે ભવ્ય દરવાજા હતા. હાલના પાદરે જે દરવાજો છે તે ઉપરાંત, સગરપાટીમાં પણ એક દરવાજો હતો, જ્યાંથી કુંકાવાવ જવાનો સીધો માર્ગ હતો. આપણું ગામ એક મુખ્ય કેન્દ્ર સમાન હતું, જ્યાંથી ચારેય દિશામાં ૯ રસ્તાઓ નીકળતા હતા જે અનીડા, તાલાળી, વાવડી, ભાયાવદર, જંગર, તરઘરી, નવા ઉજળા, કુંકાવાવ અને તોરી જેવા ગામોને જોડતા હતા.
ગામમાં અઢારેય વરણના લોકો સંપથી વસવાટ કરે છે. ગામ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે:
ગામમાં: પૌરાણિક શિવાલય ભીડભંજન મહાદેવ અને બિલેશ્વર મહાદેવ, રામજી મંદિર, સ્વામીનારાયણ મંદિર, બાલાહનુમાન મંદિર, દાડમાં દાદા મંદિર, ખોડીયાર માતાજી મંદિર અને દરગાહ.
રામજી મંદિરનો ઈતિહાસ: આ મંદિર ત્રણ વાર બન્યું છે. પહેલા નળિયા વાળું હતું, પછી ઊંચું લેવામાં આવ્યું અને અત્યારે નવું ભવ્ય મંદિર છે.
સીમ વિસ્તારમાં: ગામથી ૨-૩ કિમી દૂર રોકડિયા હનુમાન, લોકીવાળા હનુમાન, શિવમંદિર અને ખોડીયાર માતાનું પ્રાચીન સ્થાનક આવેલું છે. સગઈડી માં ગોરીઆઈ માતાનું સ્થાન અને નજીકમાં શૂરવીરોની પૌરાણિક ખાંભીઓ આવેલી છે.
ગામમાં વર્ષોથી ધોરણ ૧ થી ૧૨ સુધીની હાઈસ્કૂલ હોવાને કારણે શિક્ષણનું સ્તર ઊંચું રહ્યું છે, જેના લીધે લોકો વેપાર અને નોકરીમાં પ્રગતિ કરી શક્યા છે.
આજીવિકા: મુખ્યત્વે ખેતી, હીરા ઉદ્યોગ અને પશુપાલન.
સ્થળાંતર: હાલ ગામના લોકો અમરેલી, રાજકોટ, અમદાવાદ, સુરત, અંકલેશ્વરથી લઈને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને લંડન સુધી સ્થાયી થયા છે.
નેતૃત્વ: જીલ્લાના રાજકારણ અને ગામના વિકાસમાં પીઢ આગેવાન ભાણાબાપાનું પ્રદાન અમૂલ્ય રહ્યું છે.
આમ, મોટા ઉજળા ગામ પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક વિકાસનો સુમેળ સાધીને આજે પણ અડીખમ ઊભું છે.
મોટા ઉજળા, અમરેલી, ગુજરાત - 365450